2 કલાક પેહલાલેખક: પ્રકાશ.એ.પરમાર
- કૉપી લિંક
સામાન્ય રીતે નિરસ ગણાતી રાજ્યસભાની ચૂંટણી ધારાસભ્યોના પક્ષપલટા અને રાજકીય પક્ષોના જોડતોડના કારણે છેલ્લા ઘણા સમયથી રસપ્રદ બની રહી છે. ત્યારે ફરી એકવાર દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર જોડતોડની રાજનીતિના કારણે ચૂંટણી રસપ્રદ બની છે. ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે 11 ઉમેદવારો, તો મહારાષ્ટ્રમાં 6 બેઠકો માટે 7 ઉમેદવારો અને કર્ણાટકની ચાર રાજ્યસભા બેઠકો પર પાંચ ઉમેદવારો મેદાનમાં ઉતરતા જોડતોડની રાજનીતિ શરૂ થઇ છે. તો હિમાચલ પ્રદેશમાં પણ સંખ્યાબળ ન હોવા છતાં ભાજપે પોતાનો ઉમેદવાર ઉતારતા ધારાસભ્યોની વાડાબંધીના એંધાણ વર્તાઇ રહ્યા છે. તો આવો જાણીએ ક્યા રાજ્યમાં કોણ મજબૂત છે. કયો પક્ષ કેટલી રાજ્યસભાની બેઠક જીતશે. અને કયા ચેક-મેટની સ્થિતિ સર્જાશે.
15 રાજ્યોની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી
દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા ગુરુવારે (15 ફેબ્રુઆરી) સમાપ્ત થઈ ગઈ છે. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત મોટાભાગના સભ્યો બિનહરીફ ચૂંટાશે તે નિશ્ચિત છે. નોમિનેશન સમાપ્ત થતાની સાથે જ રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર મહદ અંશે સ્પષ્ટ થઈ ગયું છે. 15 રાજ્યોમાંથી 11 રાજ્યોમાં 35 રાજ્યસભા સભ્યો બિનહરીફ ચૂંટાઈ શકે છે, જ્યારે ચાર રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ મતદાન દ્વારા પરિણામો નક્કી કરવામાં આવશે. યુપી, કર્ણાટક, હિમાચલ અને મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો વચ્ચે જોડતોડની રાજનીતિ જોવા મળશે.
20 ફેબ્રુઆરી સુધી નામાંકન પત્રો પાછા ખેંચી શકાશે
20 ફેબ્રુઆરી સુધી નામાંકન પત્રો પાછા ખેંચી શકાશે. યુપીની 10 બેઠકો સિવાય, મહારાષ્ટ્ર-બિહારમાં 6-6 અને મધ્ય પ્રદેશ-પશ્ચિમ બંગાળમાં 5-5 બેઠકો છે. કર્ણાટક અને ગુજરાતમાં 4-4 સીટો છે. ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં 3-3 સીટો માટે ચૂંટણી છે. આ સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાં 1-1 સીટ માટે ચૂંટણી છે. રાજ્યસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા ગુરુવારે (15 ફેબ્રુઆરી) સાંજે સમાપ્ત થઈ ગઈ છે અને 20 ફેબ્રુઆરી સુધી નામાંકન પત્રો પાછા ખેંચી શકાશે. યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં નિર્ધારિત બેઠકો કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ગણિત
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 403 વિધાનસભા બેઠકો છે. હાલમાં 399 ધારાસભ્યો છે. વિધાનસભાની 4 બેઠકો ખાલી છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભાની સીટ જીતવા માટે 37 પ્રથમ પસંદગીના ધારાસભ્યોના વોટ જરૂરી છે. સપા પાસે હાલમાં વિધાનસભામાં 108 બેઠકો છે જ્યારે ભાજપ પાસે 252 બેઠકો છે.
યુપીમાં 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે. 15 એપ્રિલે, નોમિનેશનના છેલ્લા દિવસે, ભાજપે તેનો 8મો ઉમેદવાર ઉતાર્યો હતો. રાજ્યસભાના પૂર્વ સાંસદ સંજય સેઠે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે હવે યુપીમાં 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની 10 રાજ્યસભા બેઠકો માટે ભાજપે 7 અને સમાજવાદી પાર્ટીએ 3 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આમ તો ચૂંટણીમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ તેવી સંભાવના હતી પરંતુ, નોમિનેશનના છેલ્લા દિવસે એટલે કે 15મી ફેબ્રુઆરીએ ભાજપે સંજય સેઠના રૂપમાં આઠમા ઉમેદવારને મેદાનમાં ઉતારીને સમાજવાદી પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે. હવે 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હવે 27 ફેબ્રુઆરીએ ખબર પડશે કે ભાજપ તેમના આઠમા ઉમેદવારને જીતાડવામાં સફળ થાય છે કે નહીં.

રાજ્યસભાની સીટ જીતવા માટે 37 વોટની જરૂર
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની સીટ જીતવા માટે 37 વોટની જરૂર છે. જો RLDના 9 ધારાસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે તો ભાજપ પાસે 286 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે પાર્ટીને તેના ઉમેદવારોને વિજયી બનાવવા માટે 10 વધારાના મતોની જરૂર છે. એ જ રીતે સમાજવાદી પાર્ટીને તેના ત્રણ ઉમેદવારોને વિજયી બનાવવા માટે 111 મતોની જરૂર છે. જ્યારે તેની પાસે કોંગ્રેસ સહિત માત્ર 110 ધારાસભ્યોનું સમર્થન છે. મતલબ કે સમાજવાદી પાર્ટીને વધુ એક વોટની જરૂર છે.
આંકડાની દૃષ્ટિએ ભાજપ બીજા પ્રેફરન્સ વોટમાં આરામથી જીતશે.
આવી સ્થિતિમાં બંને જૂથોની નજર એવા 7 ધારાસભ્યો પર છે જેઓ હાલમાં કોઈ જૂથ સાથે જોડાયેલા નથી. જેમાં રાજા ભૈયા અને તેમની પાર્ટીના બે અને બસપાના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. રાજા ભૈયા સતત યોગી આદિત્યનાથને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે, જ્યારે BSP સમાજવાદી પાર્ટીની વિરુદ્ધ છે. જો સમાજવાદી પાર્ટી પોતાના માટે વધારાના વોટ એકઠા કરવામાં સક્ષમ ન હોય તો ચૂંટણી માટે સેકન્ડ પ્રેફરન્સ વોટની જરૂર પડશે. આંકડાઓની દૃષ્ટિએ બીજેપી બીજા પ્રેફરન્સ વોટમાં આરામથી જીતશે.

સંજય સેઠ અને અખિલેશ યાદવ
સંજય સેઠ અગાઉ SPમાં હતા
ભાજપને પોતાના આઠમા ઉમેદવાર સંજય સેઠની જીત પર વિશ્વાસ છે. સંજય સેઠ અગાઉ SPમાં હતા. SPએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા, પરંતુ પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.
પલ્લવી પટેલે પોતાનું વલણ દર્શાવ્યું હતું
SPની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે કારણ કે પક્ષના ધારાસભ્ય પલ્લવી પટેલે ઉમેદવારોની પસંદગીમાં PDAની અવગણના કરવાનો આરોપ લગાવીને પક્ષની તરફેણમાં મતદાન ન કરવાની જાહેરાત કરી છે. પલ્લવી પટેલ કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલની બહેન છે.

મહારાષ્ટ્રમાં 6 બેઠકો માટે 7 ઉમેદવારો
મહારાષ્ટ્રમાં 6 બેઠકો માટે 7 ઉમેદવારો મેદાને છે. ભાજપ અને શિવસેનાના બે-બે ધારાસભ્યોના નિધનને કારણે મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલમાં ધારાસભ્યોની સંખ્યા 286 છે. રાજ્યસભાના ઉમેદવારને પ્રથમ પસંદગીના 40.9 મત મળવા જરૂરી છે. ભાજપ પાસે 104 વોટ અને 13 અપક્ષ વોટ છે. રાજકીય ગણિત મુજબ ભાજપ સરળતાથી ત્રણ બેઠકો જીતી શકે છે. શિવસેના પાસે 39 ધારાસભ્યો અને 10 અપક્ષ મત છે. આ હિસાબે શિંદે જૂથની એક બેઠક પર ચૂંટણી થઈ શકે છે. કોંગ્રેસ પાસે 45 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તેથી કોંગ્રેસને એક બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે.
અશોક ચવ્હાણના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ઉલટફેર થવાની શક્યતા
પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં મોટો ઉલટફેર થવાની સંભાવના છે. હવે રાજ્યમાંથી ભાજપ ગઠબંધનના તમામ છ ઉમેદવારોની જીતની શક્યતા વધી ગઈ છે. કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. રાજ્યમાં કોંગ્રેસ પાસે 45 ધારાસભ્યો છે પરંતુ હવે લગભગ 12થી 13 ધારાસભ્યો ગમે ત્યારે પક્ષપલટો કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. જો રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો કોંગ્રેસ ઉમેદવારની હાર થશે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસની બેઠક કયા અટકી શકે?
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. અત્યાર સુધી કોંગ્રેસને સંખ્યાબળને કારણે એક બેઠક મળશે તે નિશ્ચિત હતું. પરંતુ, અશોક ચવ્હાણના રાજીનામા બાદ રાજકીય ગણિત બદલાઇ ગયું છે. મળતી માહિતી મુજબ અશોક ચવ્હાણની સાથે અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને બેઠક જીતવા માટે જોખમ ઉભુ થઇ શકે છે.
અપક્ષોને કારણે મહારાષ્ટ્રમાં ચૂંટણી રસપ્રદ
ભાજપ તરફથી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને ડૉ.અજીત ગોપચડે મેદાનમાં છે. એકનાથ શિંદેની શિવસેના તરફથી મિલિંદ દેવડા અને અજિત પવાર જૂથ NCP તરફથી પ્રફુલ્લ પટેલ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ તરફથી પૂર્વ મંત્રી ચંદ્રકાંત હંડોર રાજ્યસભા માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વાસ જગતાપે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી રસપ્રદ બનાવી દીધી છે. પરંતુ જો તેમના નામાંકનમાં 10 ધારાસભ્યોની સહાયક સહીઓ ન હોય તો નામાંકન રદ થઈ શકે છે. જો જગતાપનું નામાંકન નામંજૂર થશે તો તમામ સભ્યો બિનહરીફ ચૂંટાશે, પણ નામાંકન સ્વીકારાશે તો 27મી ફેબ્રુઆરીએ મતદાન દ્વારા નિર્ણય લેવામાં આવશે.

હર્ષ મહાજન અને અભિષેક મનુ સિંઘવી
હિમાચલ પ્રદેશમાં એક સીટ માટે ખરાખરીનો જંગ
હિમાચલ પ્રદેશમાં એકમાત્ર રાજ્યસભા બેઠક માટેનો જંગ રસપ્રદ બની ગયો છે. 25 બેઠકો ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં રાજનીતિ અને ચૂંટણી પ્રબંધનમાં નિષ્ણાત ગણાતા હર્ષ મહાજનને ઉતાર્યા છે. જો કે આંકડાઓ પર નજર કરીએ તો હાલમાં ભાજપની તરફેણમાં કંઈ જ દેખાતું નથી. હાલમાં રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસ પાસે 68માંથી 40 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી છે, જ્યારે ભાજપ પાસે 25 બેઠકો છે અને 3 બેઠકો પર અપક્ષો છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસના આઠ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો જ ભાજપના ઉમેદવારની જીત થઇ શકે છે.
કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા પડશે અને અપક્ષોને સાચવવા પડશે.
જો મહાજનને ત્રણ અપક્ષ ધારાસભ્યોના મતો મળે તો પણ તેમને કોંગ્રેસ જેટલા મત મેળવવા માટે ભાજપના છ ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. જીત માટે કોંગ્રેસના સાત ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ જરૂરી રહેશે. હવે આ ગણિતમાં કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા પડશે અને સાથે જ અપક્ષોને પણ સાચવવા પડશે.

કોણ છે હર્ષ મહાજન?
રાજ્યસભાની આ લડાઈમાં સૌથી મહત્વની વાત એ છે કે હર્ષ મહાજન અગાઉ કોંગ્રેસમાં હતા. 28 સપ્ટેમ્બર 2022ના રોજ, તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું અને ભાજપમાં જોડાયા. તેઓ વીરભદ્ર સિંહના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. જો કે વીરભદ્ર સિંહ હવે આ દુનિયામાં નથી, હર્ષ હજુ પણ કોંગ્રેસના નેતાઓની નજીક છે. હર્ષ મહાજન ચંબા જિલ્લાના રહેવાસી છે અને કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના પિતા હિમાચલ વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. વર્ષ 1993માં ચૂંટણી જીતીને તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. નોમિનેશન બાદ હર્ષ મહાજને કહ્યું કે જૂની દોસ્તી કામમાં આવશે.
કોંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને ઉતાર્યા
વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી હિમાચલ પ્રદેશમાંથી કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર છે. અભિષેક મનુ સિંઘવી મૂળ રાજસ્થાનના જોધપુરના છે. તેમનો જન્મ 1959માં થયો હતો.
સિંઘવી લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. હાલમાં તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. તેઓ રાજ્યસભાના સભ્ય પણ છે. અભિષેક મનુ સિંઘવી દેશના મોટા વકીલોમાં સામેલ છે. તેઓ ભારતના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલનું પદ પણ સંભાળી ચૂક્યા છે.
કર્ણાટકમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
કર્ણાટકમાં પણ રાજ્યસભાની ચૂંટણીમાં માહોલ જામ્યો છે. રાજ્યમાં ખાલી પડનારી 4 બેઠકો માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેના કારણે ચૂંટણી નિશ્ચિત માનવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસના 3 ઉમેદવારો અને ભાજપ-જેડીએસના એક-એક ઉમેદવાર છે. આ ચૂંટણીમાં ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા 45 વોટની જરૂર છે. રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસ પાસે 135 ધારાસભ્યો છે,
જે 3 બેઠકો જીતવા માટે પૂરતા છે. જ્યારે ભાજપ અને જેડીએસ પાસે કુલ 85 ધારાસભ્યો છે. આ ઉપરાંત અન્ય 4માંથી 3 ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરે તેવી શક્યતા છે.

ભાજપ-જેડી(એસ) બીજા ઉમેદવારને મેદાનમાં ઉતારતા રાજકારણ ગરમાયું
રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પાસે 224 સભ્યોની વિધાનસભામાં 135 સભ્યો છે. પાર્ટીને સર્વોદય કર્ણાટક પાર્ટીના દર્શન પુતન્યા તેમજ બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે,
જેની મદદથી તે ત્રણ બેઠકો પર જીતી શકે છે. કોંગ્રેસે અજય માકન, એસ નાસિર હુસૈન અને જી.સી. ચંદ્રશેખરને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે, તો ભાજપના ઉમેદવાર અને વિધાન પરિષદ (એમએલસી)ના સભ્ય નારાયણસા બાંગડેએ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. અને જેડીએસે રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય ડી કુપેન્દ્ર રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.
11 રાજ્યોમાં 35 બિનહરીફ રાજ્યસભા સભ્યો ચૂંટાશે
બિહારની છ બેઠકો માટે છ ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી આરજેડીમાંથી બે, ભાજપમાંથી બે, કોંગ્રેસમાંથી એક અને જેડીયુમાંથી એક-એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. પશ્ચિમ બંગાળની પાંચ રાજ્યસભા બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ટીએમસીના ચાર અને ભાજપના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશની 5 રાજ્યસભા બેઠકો પર 5 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાંથી ચાર ભાજપના અને એક કોંગ્રેસનો છે. તે તમામ બિનહરીફ ચૂંટાશે તે નિશ્ચિત છે, કારણ કે મેદાનમાં કોઈ વધારાના ઉમેદવારો નથી.

જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચશે
ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે અને ચાર ઉમેદવારો મેદાનમાં છે. ચારેય ઉમેદવારો ભાજપના છે, જેઓ બિનહરીફ ચૂંટાશે તે નિશ્ચિત છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આ વખતે ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચશે.
રાજસ્થાનમાં કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી એકમાત્ર ઉમેદવાર
રાજસ્થાનની ત્રણ રાજ્યસભા બેઠકો પર ચૂંટણી થઈ રહી છે અને માત્ર ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ તરફથી બે ઉમેદવારો છે જ્યારે કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી એકમાત્ર ઉમેદવાર છે. તે તમામ બિનહરીફ ચૂંટાશે તે લગભગ નિશ્ચિત છે. ઉત્તરાખંડ, હરિયાણા અને છત્તીસગઢમાં એક-એક રાજ્યસભા સીટ પર ચૂંટણી યોજાઈ રહી છે, ભાજપે અહીં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમની સામે અન્ય કોઈ પક્ષે ચૂંટણી લડી નથી.

દક્ષિણમાં તમામ પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે
ઓડિશા, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 3-3 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી છે. આ ત્રણ રાજ્યોમાં રાજકીય પક્ષોએ ત્રણ-ત્રણ ઉમેદવારો જ મેદાનમાં ઉતાર્યા છે. ઓડિશામાં બીજેડીએ બે સીટ પર પોતાના ઉમેદવાર તથા ભાજપે એક સીટ પર અશ્વિની વૈષ્ણવને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તેવી જ રીતે, કોંગ્રેસ તેલંગાણામાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર અને BRS બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે. YSR કોંગ્રેસના ત્રણ ઉમેદવારો આંધ્ર પ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.