કોલકાતા2 કલાક પેહલા
- કૉપી લિંક
CBI શાહજહાં શેખની કસ્ટડી લેવા મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે પહોંચી હતી.
કોલકાતા હાઈકોર્ટના આદેશ છતાં CBIને મંગળવારે શાહજહાં શેખની કસ્ટડી મળી નથી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી 2 કલાકની રાહ જોયા બાદ બંગાળ પોલીસ હેડક્વાર્ટરથી ખાલી હાથે પરત ફરી હતી.
હાઈકોર્ટે રાજ્ય સરકારને સાંજે 4:30 વાગ્યા સુધીમાં શેખને CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત શેખનો કેસ CBIને ટ્રાન્સફર કરવા પણ કહેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આ કેસને લગતા તમામ દસ્તાવેજો આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પછી સાંજે 4:40 કલાકે CBIની ટીમ તેને લેવા ભવાની ભવન પોલીસ હેડક્વાર્ટર પહોંચી.
દરમિયાન, રાજ્ય સરકારે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
શેખ શાહજહાંની આ તસવીર 29 ફેબ્રુઆરીની બસીરહાટ કોર્ટની છે. ત્યાર બાદ તેને 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે કહ્યું- બંગાળ પોલીસનું વલણ પક્ષપાતી છે
EDની અરજી પર, કલકત્તા હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ ટીએસ શિવગનમની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે કહ્યું, ‘પશ્ચિમ બંગાળ પોલીસનું વલણ સંપૂર્ણપણે પક્ષપાતી છે. આ જોતાં નિષ્પક્ષ અને પ્રમાણિક તપાસની જરૂર છે. રાજ્યની એજન્સીઓ પાસેથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા નથી એ સ્વીકારવામાં અમને કોઈ સંકોચ નથી.
કોર્ટે કહ્યું, ‘બંગાળ પોલીસ આરોપીઓને બચાવવા માટે સંતાકૂકડીની રમત રમી રહી છે. આરોપી રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિ છે. તે બંગાળ પોલીસની તપાસને પ્રભાવિત કરી શકે છે.’
હકીકતમાં, કલકત્તા હાઈકોર્ટે કેસ CBIને ટ્રાન્સફર કરવાની EDની અરજી પર સોમવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ વર્ષે 5 જાન્યુઆરીએ શેખના માણસોએ દરોડા દરમિયાન ED ટીમ પર હુમલો કર્યો હતો.
ED અને રાજ્ય સરકારે સિંગલ બેંચના 17 જાન્યુઆરીના આદેશને પડકારતી અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી જેમાં બેન્ચે ED અધિકારીઓ પર ટોળાના હુમલાની તપાસ માટે CBI અને રાજ્ય પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
EDએ શાહજહાંની 14 સ્થાવર મિલકતો જપ્ત કરી
EDએ મંગળવારે માહિતી આપી હતી કે શાહજહાં શેખની 12.78 કરોડ રૂપિયાની 14 સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે. જેમાં સરબેરિયા, સંદેશખાલી અને કોલકાતામાં એપાર્ટમેન્ટ, ખેતીની જમીન, માછલી ઉછેરની જમીન અને જમીન અને મકાનોનો સમાવેશ થાય છે. સાથે જ બે બેંક ખાતા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
હવે આગળ શું..?
હાઈકોર્ટે રાજ્ય પોલીસના સભ્યોનો સમાવેશ કરતી SITની રચના કરવાના અગાઉના આદેશને પણ રદ કર્યો હતો અને રાજ્યને તાત્કાલિક તમામ કાગળો CBIને ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. હવે નજત પોલીસ સ્ટેશન અને બોનગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ કેસ CBIને સોંપવામાં આવશે. આ સિવાય શેખ સામે જુદા જુદા ગુનામાં 42થી વધુ કેસ નોંધાયેલા છે.
ED અને રાજ્ય સરકારે સિંગલ બેંચના 17 જાન્યુઆરીના આદેશને પડકારતી અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી જેમાં બેન્ચે ED અધિકારીઓ પર ટોળાના હુમલાની તપાસ માટે CBI અને રાજ્ય પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
ED ટીમ પર હુમલાના કેસમાં 29 ફેબ્રુઆરીએ ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી શેખની ધરપકડ કરવામાં આવી હતી. તે 55 દિવસથી ફરાર હતો. હાલ તે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
મહિલા આયોગે રાષ્ટ્રપતિ શાસનની માગ કરી હતી
દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી. મંગળવારે કમિશનની ટીમ રાષ્ટ્રપતિને મળવા પહોંચી હતી. ટીમે સંદેશખાલીમાં પીડિત મહિલાઓના નિવેદનનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં પોલીસ અધિકારીઓ, ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેની ગેંગ પર મહિલાઓના શોષણ અને જમીન હડપ કરવાનો આરોપ છે.
5 જાન્યુઆરીએ ઈડીની ટીમ સંદેશખાલીમાં શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ત્યાર બાદ ટોળાએ ટીમ પર હુમલો કર્યો, જેમાં ED અધિકારી ઘાયલ થયા હતા.
જામીન માટે વકીલ હાઈકોર્ટ પહોંચ્યા, કોર્ટે કહ્યું- જેલમાં જ રહેવા દો
29 ફેબ્રુઆરીએ તેની ધરપકડ થયા બાદ તરત જ શેખ શાહજહાંના વકીલો જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, “તેને જેલમાં જ રહેવા દો. આ વ્યક્તિ તમને આગામી 10 વર્ષ સુધી ખૂબ જ વ્યસ્ત રાખશે. તમને આ કેસ સિવાય બીજું કંઈ જોવાની તક નહીં મળે. તેની સામે 42 કેસ નોંધાયેલા છે. તે ફરાર પણ હતો. તમને જે જોઈએ છે એ માટે તમે 4 માર્ચે આવો. અમને તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી.” જોકે સુનાવણી 4 માર્ચને બદલે 5 માર્ચે થઈ હતી.
બીજેપી નેતા સુકાંત મજમુદારે કહ્યું- ભાજપે દબાણ કર્યું, પછી સરકારે ધરપકડ કરી
શેખ શાહજહાંની ધરપકડ અંગે બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું હતું કે ભાજપ દ્વારા આ મુદ્દે સતત દેખાવો થઈ રહ્યા છે, જેના કારણે બંગાળ સરકાર તેની ધરપકડ કરવા મજબૂર થઈ હતી. અત્યારસુધી સરકાર શેખ શાહજહાંને આરોપી તરીકે સ્વીકારવાની ના પાડી રહી હતી.
શાહજહાં અને તેના બે સાથી પર ગેંગરેપનો આરોપ
સંદેશખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર લાંબા સમયથી મહિલાઓ પર ગેંગરેપ કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં શિબુ હઝરા અને ઉત્તમ સરદાર સહિત 18 લોકોની ધરપકડ કરી છે.
શાહજહાં શેખ ટીએમસીના ડિસ્ટ્રિક્ટ લેવલનો નેતા છે. રેશનકૌભાંડમાં EDએ 5 જાન્યુઆરીએ તેના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ તેના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં ફરાર હતો.
હાઇકોર્ટે બંગાળ સરકારને શાહજહાંની ધરપકડ કરવાનું કહ્યું હતું
શાહજહાં શેખની ધરપકડ અંગે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમે સોમવારે આદેશ આપ્યો હતો કે પોલીસે તમામ સંજોગોમાં 4 માર્ચે આગામી સુનાવણીમાં શાહજહાંને કોર્ટમાં હાજર કરવો જોઈએ. તેની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સંદેશખાલીમાં અત્યાચારની ઘટનાઓ 4 વર્ષ પહેલાં પોલીસને જાણ કરવામાં આવી હતી. યૌનશોષણ સહિતના 42 કેસ છે, પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં ચાર વર્ષનો સમય વીતી ગયો છે.
રવિવારે જ્યારે બંગાળ સરકારના બે મંત્રી પાર્થ ભૌમિક અને સુજિત બસુ સંદેશખાલીના હાલદારપાડા પહોંચ્યા ત્યારે મહિલાઓએ તેમના પર આક્રોશ ઠાલવ્યો હતો.
નોર્થ 24 પરગણાં જિલ્લાના સંદેશખાલીમાં શું થયું?
નોર્થ 24 પરગણાં જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓએ TMC નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકો પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સંદેશખાલીમાં સ્થાનિક મહિલાઓએ દેખાવો કર્યા હતા. તેમણે આરોપીઓની ધરપકડની માગ કરી હતી.
મહિલા દેખાવકારોએ 11 ફેબ્રુઆરીએ સંદેશખાલીમાં TMC નેતા શિવપ્રસાદ હજારાના ફાર્મહાઉસને આગ લગાવી દીધી હતી.
શાહજહાં કેવી રીતે મજૂરમાંથી માફિયા બન્યો
આરોપી શાહજહાં સંદેશખાલીમાં ક્યાંથી આવ્યો એની કોઈને ખબર નથી. 2000-2001માં તે ફિશરીઝ સેન્ટરમાં મજૂર હતો. શાકભાજી પણ વેચી. ત્યાર બાદ તેણે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં જ તેણે મજૂર સંઘની રચના કરી હતી. પછી સીપીએમમાં જોડાયો.
જ્યારે સિંગુર અને નંદીગ્રામ ચળવળોમાં ડાબેરી પક્ષોએ મેદાન ગુમાવ્યું, ત્યારે 2012માં તે તત્કાલીન તૃણમૂલ મહાસચિવ મુકુલ રોય અને ઉત્તર 24 પરગણાં જિલ્લાના શક્તિશાળી નેતા જ્યોતિપ્રી મલિકના સમર્થનથી પાર્ટીમાં જોડાયો. મલિક રેશનકૌભાંડના એ જ કેસમાં જેલમાં છે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શાહજહાંને શોધી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાહજહાં પાસે સેંકડો મત્સ્ય ઉછેર કેન્દ્રો, ઈંટોના ભઠ્ઠાઓ, સેંકડો એકર જમીન હતી. તે 2થી 4 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.
EDના અધિકારીઓ પર શેખના સમર્થકો દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હતો
EDએ આરોપ લગાવ્યો હતો કે તેમની કાર પર 1 હજારથી વધુ લોકોએ હુમલો કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં કોરોના દરમિયાન થયેલા હજારો કરોડ રૂપિયાના કથિત રેશનકૌભાંડના સંબંધમાં 5 જાન્યુઆરીએ EDએ રાજ્યમાં 15 સ્થળ પર દરોડા પાડ્યા હતા. ઉત્તર 24 પરગણાં જિલ્લાની ટીમ સંદેશખાલી ગામમાં શેખ શાહજહાં અને શંકર આધ્યાના ઘરે પણ દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ અધિકારી ઘાયલ થયા હતા. ત્યારથી શાહજહાં ફરાર હતો. શેખ શાહજહાં વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.