સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલા
- કૉપી લિંક
આ વખતે પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઓક્શનમાં રેકોર્ડબ્રેક બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને સ્પેન્સર જોન્સન પર 55.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઓક્શનમાં 10 ટીમે 72 ખેલાડીઓને 230.45 કરોડ રૂપિયામાં ખરીદ્યા. જેમાં સૌથી વધુ 90.05 કરોડ રૂપિયા 26 બોલરો પર ખર્ચાયા હતા.
30 વિદેશી અને 42 ભારતીય ખેલાડીઓ વેચાયા હતા. ભારતીયોમાં, 34 અનકેપ્ડ ખેલાડીઓને ટીમે ખરીદ્યા, જેમાંથી 9 કરોડપતિ બન્યા. જ્યારે 15 ભારતીય ઓલરાઉન્ડરો પર 26.35 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
8 કલાકના લાંબા ઓક્શન પછી પણ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ કમ્પ્લીટ નથી થઈ. KKRમાં 2 ખેલાડીઓ અને RRમાં 3 ખેલાડીઓની જગ્યાઓ ખાલી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે તમામ 25 ખેલાડીઓને ખરીદ્યા પછી પણ 9.90 કરોડ રૂપિયા બચાવ્યા હતા.
ઓલરાઉન્ડરોમાં બોલરોનું વર્ચસ્વ
ઓક્શનમાં 72 ખેલાડીઓ વેચાયા હતા, જેમાં 26 બોલર અને 25 ઓલરાઉન્ડર હતા. બોલરો પર 90.05 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો બોલર હતો, તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉમેશ યાદવ ભારતીયોમાં સૌથી મોંઘો હતો, તેને ગુજરાતે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
25 ઓલરાઉન્ડર પર 78.85 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ સૌથી મોંઘો હતો, તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.45 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હર્ષલ પટેલ ભારતીયોમાં સૌથી મોંઘો હતો, તેને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
માત્ર 8 વિકેટકીપર વેચાયા, એનકેપ્ડ કુમાર કુશાગ્ર સૌથી મોંઘો
10 ટીમે 8 વિકેટકીપર પર સૌથી ઓછા 13.35 કરોડ રૂપિયા ખર્ચ્યા. આમાં પણ અનકેપ્ડ કુમાર કુશાગ્ર સૌથી મોંઘો હતો. તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 7.20 કરોડમાં ખરીદ્યો હતો. વિદેશીઓમાં દિલ્હીએ શાઈ હોપને 75 લાખ રૂપિયા આપીને ટીમનો ભાગ બનાવ્યો હતો.
13 બેટર્સ પર 44.20 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. અહીં પણ અનકેપ્ડ ખેલાડીઓ બાજી મારી ગયા હતા. સમીર રિઝવી સૌથી મોંઘો રહ્યો. તેને ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વિદેશીઓમાં સાઉથ આફ્રિકાના રિલે રુસોને પંજાબ કિંગ્સે 8 કરોડ રૂપિયામાં ટીમનો ભાગ બનાવ્યો હતો.
5 વિદેશી ખેલાડીઓ પર 10 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ
ઓક્શનમાં 6 ખેલાડીઓની કિંમત 10 કરોડને વટાવી ગઈ, જેમાંથી 5 વિદેશી હતા. કમિન્સ અને સ્ટાર્કની બોલી રૂ. 20 કરોડને વટાવી ગઈ હતી. સ્ટાર્કને રૂ. 24.75 કરોડમાં અને કમિન્સ રૂ. 20.50 કરોડમાં વેચાયા હતા. વિદેશીઓમાં તે પછી ન્યૂઝીલેન્ડનો ડેરીલ મિચેલ રૂ. 14 કરોડમાં, વેસ્ટ ઇન્ડિઝનો અલ્ઝારી જોસેફ રૂ. 11.50 કરોડ અને ઓસ્ટ્રેલિયાનો સ્પેન્સર જોન્સન રૂ. 10 કરોડમાં હતો. ડેરીલ મિચેલને CSK, જોસેફને RCBએ અને સ્પેન્સરને GTએ ખરીદ્યો હતો.
વિદેશીઓના અડધો અડધ પૈસા 6 ઓસ્ટ્રેલિયન્સ લઈ ગયા
ઓક્શનમાં 30 વિદેશી ખેલાડીઓ પર 151.10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આમાંથી લગભગ અડધા રૂપિયા (68.05 કરોડ) ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓને ખરીદવામાં જતા રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાંથી સૌથી વધુ 6-6 ખેલાડીઓ વેચાયા હતા. ઇંગ્લેન્ડના 6 ખેલાડીઓ પર માત્ર 13.10 કરોડ રૂપિયા ખર્ચાયા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ પર 68.05 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. જેમાંથી રૂ. 55.25 કરોડ સ્ટાર્ક, કમિન્સ અને સ્પેન્સર જોન્સન પર ખર્ચાયા હતા.
વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાના 4-4 ખેલાડીઓ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના 3-3 ખેલાડીઓ ઓક્શનમાં વેચાયા હતા. બાંગ્લાદેશનો એક ખેલાડી પણ વેચાયો હતો. આ વખતે ઓક્શનમાં કોઈ એસોસિયેટ ખેલાડીનો નંબર મૂકવામાં આવ્યો ન હતો.
42 ભારતીયો વેચાયા, 14 કરોડપતિ બન્યા
IPLમાં વિદેશી ખેલાડીઓ સૌથી વધુ મોંઘા વેચાય છે, પરંતુ ભારતીય ખેલાડીઓ જ ટુર્નામેન્ટનો જીવ છે. આ વખતે પણ 42 ભારતીય ખેલાડીઓ પર 79.45 કરોડ રૂપિયા ખર્ચાયા છે. 14 ખેલાડીઓ કરોડપતિ બન્યા, જેમાંથી 9 અનકેપ્ડ છે. ભારતના 34 અનકેપ્ડ પ્લેયર્સ વેચાયા હતા, જેમાંથી સમીર રિઝવી સૌથી મોંઘો 8.40 કરોડ રૂપિયામાં CSKની ટીમમાં સામેલ થયો છે.
ભારતમાંથી T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર 8 ખેલાડીઓ વેચાયા હતા, જેમાંથી હર્ષલ પટેલ સૌથી મોંઘો રહ્યો હતો. પંજાબે તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શિવમ માવી, ઉમેશ યાદવ, શાર્દૂલ ઠાકુર અને જયદેવ ઉનડકટને પણ 1 કરોડથી વધુની કિંમત મળી છે.
15 ભારતીય ઓલરાઉન્ડરો પર 26.35 કરોડ રૂપિયા ખર્ચાયા
ભારતીય ખેલાડીઓમાં માત્ર 15 ઓલરાઉન્ડર અને 15 બોલર વેચાયા હતા. પરંતુ ઓલરાઉન્ડર પર સૌથી વધુ 26.35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 10 ટીમે બોલરો પર 25.90 કરોડ રૂપિયા ખર્ચ્યા. 7 બેટર્સ પર 15.50 કરોડ રૂપિયા અને 5 વિકેટકીપર પર 11.70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
કોલકાતા-રાજસ્થાનની ટીમ કમ્પ્લીટ નથી થઈ
ઓક્શનમાં 77 ખેલાડીઓ વેચવાના હતા પરંતુ માત્ર 72 જ વેચાયા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સમાં 2 અને રાજસ્થાન રોયલ્સમાં 3 ખેલાડીઓની જગ્યા ખાલી રહી છે. તેમના સિવાય તમામ ટીમે તેમની 25 ખેલાડીઓની ટીમ પૂરી કરી લીધી છે. CSK, GT, KKR અને SRHએ ઓક્શનમાં રૂ. 30 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.
રાજસ્થાનના પર્સમાં માત્ર 20 લાખ રૂપિયા બચ્યા હતા, જ્યારે લખનઉ સુપરજાયન્ટ્સ પાસે 95 લાખ રૂપિયા બચ્યા હતા. બાકીની 8 ટીમ પાસે 1 કરોડથી વધુનું પર્સ બાકી હતું. દિલ્હીમાં સૌથી વધુ 9.90 કરોડ રૂપિયા અને ગુજરાતમાં સૌથી વધુ 7.85 કરોડ રૂપિયા છે.