સ્પોર્ટ્સ ડેસ્ક9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 34મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે થશે. આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમ (એકાના) ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે.
લખનઉની ટીમ આ સિઝનમાં 6માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે, જ્યારે ચેન્નઈ 6માંથી 4 મેચ જીતીને ત્રીજા સ્થાને છે.
CSK-LSG હેડ ટુ હેડ રેકોર્ડ સમાન
IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે. બંને ટીમે 1-1 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. લખનઉમાં બંને ટીમ વચ્ચે મેચ રમાઈ છે. તે મેચ અનિર્ણિત રહી હતી.
નિકોલસ પૂરન LSG માટે ટોપ સ્કોરર
કેએલ રાહુલની કેપ્ટનશિપની ટીમ લખનઉની આ સિઝનમાં શરૂઆત સારી રહી નથી. ટીમને રાજસ્થાન રોયલ્સ સામે તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમે કમબેક કરી અને સતત ત્રણ મેચ જીતી. બીજી મેચમાં તેણે પંજાબ કિંગ્સ, ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને અને ચોથી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. પરંતુ, ટીમને છેલ્લી બે મેચમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમનો ટોપ સ્કોરર નિકોલસ પૂરન છે. બોલિંગમાં યશ ઠાકુર ટોપ પર છે.
CSK તરફથી રહેમાને સૌથી વધુ વિકેટ લીધી
ચેન્નઈએ આ સિઝનમાં શાનદાર શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ બે મેચ સતત જીતી હતી. પ્રથમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને અને બીજામાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ત્રીજીમાં દિલ્હી કેપિટલ્સ સામે અને ચોથીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે છેલ્લી બંને મેચ જીતી છે. પાંચમા ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ અને છઠ્ઠા ક્રમે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપ્યો હતો. ટીમ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ રન બનાવ્યા છે. મુસ્તફિઝુર રહેમાને સૌથી વધુ વિકેટ લીધી છે.
મયંક યાદવ કમબેક કરી શકે છે
LSG ફાસ્ટ બોલર મયંક યાદવ આજની મેચમાં કમબેક કરી શકે છે. મયંક ચેન્નઈ સામેની મેચ પહેલા પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તે મયંક ગુજરાત સામે માત્ર એક જ ઓવર નાંખી શક્યો હતો. જે બાદ તે છેલ્લી બે મેચ (દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ)માં રમી શક્યો નહોતો.
પિચ રિપોર્ટ
IPLમાં લખનઉની પિચ પર સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. લો સ્કોરિંગ મેચ અહીં જોવા મળી હતી અને બેટર્સને રન બનાવવા ખૂબ મુશ્કેલ હતા. અહીં અત્યાર સુધીમાં કુલ 10 IPL મેચ રમાઈ છે. અહીં ટીમનો સર્વોચ્ચ સ્કોર 199/8 છે, જે આ વર્ષે પંજાબ કિંગ્સ સામે LSGએ બનાવ્યો હતો. 6 મેચમાં પ્રથમ દાવમાં બેટિંગ કરનારી ટીમ અને 3માં ચેઝ કરનાર ટીમે જીત મેળવી છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
હવામાન સ્થિતિ
શુક્રવારે લખનઉમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. પવન પણ જોરદાર રહેશે. પવનની ઝડપ 22 કિમી પ્રતિ કલાક રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 25 થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, શમર જોસેફ અને મોહસીન ખાન.
ઈમ્પેક્ટ પ્લેયર: પ્રેરક માંકડ.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, સમીર રિઝવી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દૂલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે.
ઈમ્પેક્ટ પ્લેયર: મથિશ પથિરાના.