રાજકોટનો બજાર વિસ્તાર કે જ્યા સવારથી રાત સુધી ટ્રાફિક ધમધમતો રહે છે તેવા પેલેસ રોડ પર મંગળવારી બજાર સામે સ્થાનિક જ્વેલરી શો-રૂમ તેમજ અન્ય વેપારીઓ દ્વારા થયેલા વ્યાપક વિરોધ બાદ અંતે મનપાની જગ્યા રોકાણ શાખાએ વીજીલન્સ પોલીસના કાફલા સાથે મંગળવારે ઉઘડતી બજારે જ સપાટો બોલાવ્યો હતો. પાથરણા અને રેકડીવાળાઓને રોડ પરથી ખદેડ્યા હતા અને હવે જો અહીં દબાણ કરાશે તો માલસામાન જપ્ત કરી લેવાશે તેવી ચેતવણી આપી હતી. શહેરમાં રવિવારથી માંડી સપ્તાહના તમામ વારે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ‘ગુજરી બજાર’ ભરાય છે. તેમા દર મંગળવારે પેલેસ રોડ ઉપર બન્ને બાજુ પાથરણા અને પલંગ-રેકડીવાળા થપ્પા લગાવીને ધામા નાંખી દે છે.
પેલેસ રોડ આમેય અત્યંત સાંકળો છે. અધુરામાં પુરુ અહીં જ્વેલરીના શો-રૂમ પણ આવેલા છે. મંગળવારી બજારનો લાભ લઇને કેટલાક તત્વો અહીં સોના-ચાંદીની ખરીદી કરવા આવતા ગ્રાહકોની રેકી કરીને લૂંટ ચલાવતા હોવાના કિસ્સા છેલ્લાં ઘણા સમયથી બનવા લાગ્યા છે. વધુમાં કરોડોના શો-રૂમની આગળ પાથરણા-રેકડી, પલંગવાળા બેસી જતા હોય શો-રૂમમાં આવતા ગ્રાહકોને પણ વાહન પાર્કિંગ સહિતની મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ગઇકાલે ગોલ્ડ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયા, સેક્રેટરી જયેન્દ્રભાઇ રાણપરા, પોપ્યુલર જ્વેલર્સ, રાધિકા જ્વેલર્સ, જે.પી. જ્વેલર્સ, ડી.જી.જ્વેલર્સ, મધુરમ જ્વેલર્સ, મીરા જ્વેલર્સ, મારૂતિ જ્વેલર્સ, ન્યૂ રાધેક્રિષ્ના જ્વેલર્સ, અશોકભાઇ પાલા, ઓમ જ્વેલર્સ, ભૂમિ જ્વેલર્સ, ગણેશ જ્વેલર્સ, નવકાર જ્વેલર્સ, વજુભાઇ જ્વેલર્સ, ધકાણ જ્વેલર્સ, પ્રેમજી વાલજી જ્વેલર્સ, ન્યુ કમલેર્સ, શ્રીજી જ્વેલર્સ સહિતના શો-રૂમના માલિક સહિત ૧૦૦થી વધુ વેપારીઓની સહી સાથે લેખિતમાં ફરિયાદ કરવામા આવી હતી.
છેલ્લાં ઘણા સમયથી ભરાતી મંગળવારી બજાર સામેનો વિરોધ વ્યાપક બનતા અંતે આજે મંગળવારે સવારે બજાર ભરાઇ એ સાથે જ મનપાની જગ્યા રોકાણ શાખા અને વીજીલન્સ પોલીસનો કાફલો ત્રાટક્યો હતો. માનવતાના ધોરણે માલસામાન જપ્ત કરાયો ન હતો પરંતુ એવી ચેતવણી આપી હતી કે, હવે પછી અહીં રોડ પર ધામા નાંખ્યા છે તો માલસામાન જપ્ત કરી લેવાશે.