9 કલાક પેહલાલેખક: પ્રકાશ.એ.પરમાર
- કૉપી લિંક
પશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણા જિલ્લાના સંદેશખાલી ગામનું નામ ગત 5 જાન્યુઆરી પહેલા બહુ ઓછા લોકો જાણતા હશે. પણ 5 જાન્યુઆરીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા ગયેલી EDની ટીમ પર હુમલો થયો ને આ ગામ પ્રથમ વખત અચાનક ચર્ચામાં આવ્યું. સ્થાનિક TMC નેતા પર અનેક મહિલાઓએ યૌન શોષણના આરોપો લગાવ્યા ને બાદમાં મહિલાઓનું વિરોધ પ્રદર્શન શરૂ થયું. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે હવે આ મામલો છેક સુપ્રીમ કોર્ટે સુધી પહોંચી ગયો છે. સત્તા પક્ષ અને વિપક્ષની રાજનીતિ ચરમ પર છે. અને નાનું એવું ગામ આજે દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. તો આવો જાણીએ શું છે સંદેશખાલી ગામની ઘટનાનો મામલો?, શા માટે EDની ટીમ પર હુમલો થયો. વિપક્ષ કેમ મમતા બેનર્જી પર પોતાના નેતાને બચાવવાનો આરોપ લગાવી રહ્યું છે. અને શું આ સ્થિતિની આવનારી લોકસભા ચૂંટણીમાં કોઇ અસર થશે?
સંદેશખાલી કયા છે?
સૌપ્રથમ આપણે એ જાણીએ કે જે ગામ આટલુ ચર્ચામાં આવ્યું છે તે ગામ ખરેખરમાં છે ક્યા?. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ 70 કિલોમીટર દૂર સ્થિત સંદેશખાલી ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટ પેટાવિભાગમાં આવે છે. આ બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. લઘુમતી અને આદિવાસી સમુદાયના મોટાભાગના લોકો અહીં રહે છે. ગયા મહિને, જ્યારે EDની ટીમે તૃણમૂલ કોંગ્રેસના TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારે EDની ટીમ પર હુમલો થયો હતો, ત્યારબાદથી જ આ વિસ્તાર ચર્ચામાં આવ્યો છે.
સંદેશખાલીમાં હિંસા કેમ ફાટી નીકળી?
સંદેશખાલી પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલું એક ગામ છે. હિંસા ગયા મહિને 5 જાન્યુઆરીએ શરૂ થઈ હતી જ્યારે ED ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે પહોંચ્યું હતું. EDની ટીમ કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડની તપાસ અર્થે પહોંચી હતી. આ દરમિયાન ED પર હુમલો થયો હતો. જેમાં EDના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ પછી કુલ ત્રણ FIR નોંધવામાં આવી હતી. શાહજહાં શેખને આમાં મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો હતો. ત્યારબાદથી શાહજહાં શેખ ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તે બાંગ્લાદેશ ભાગી ગયો છે.
ઉંમર અને સુંદરતાના આધારે જાતીય સતામણી
EDના દરોડા પછી સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખના સમર્થકો પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે શાહજહાં શેખના ગુંડાઓ રાત્રે આવતા હતા અને બળજબરીથી મહિલાઓને ઉપાડી જતા હતા અને સવારે છોડી મુકતા હતા. મહિલાઓનો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસના લોકો ગામમાં ઘરે-ઘરે જઈ સર્વે કરે છે.
જો કોઈ ઘરમાં કોઈ સુંદર સ્ત્રી કે છોકરી દેખાય તો તેને પાર્ટી ઓફિસ લઈ જવામાં આવે છે. ત્યારપછી મહિલાને ઘણી રાત સુધી ત્યાં રાખવામાં આવે છે. અને બાદમાં તેને ઘર પાસે છોડી દેવામાં આવે છે.
જ્યારે શાહજહાં ફરાર થઈ ગયો ત્યારે ત્યાં મહિલાઓએ તેની ધરપકડની માગ સાથે પ્રદર્શન કર્યું. જ્યારે વિરોધકર્તાઓએ શાહજહાંના સહયોગી શિબાપ્રસાદ હાઝરાની માલિકીના પોલ્ટ્રી ફાર્મને સળગાવી દીધું ત્યારે તણાવ વધી ગયો. આ પછી આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને પગલે રાજ્યના ગવર્નર પણ ત્યાં પહોંચ્યા હતા અને મહિલાઓને મળ્યા હતા. રાજ્યપાલની મુલાકાત પછી, કલકત્તા હાઇકોર્ટે આ બાબતની નોંધ લીધી હતી.
રાજ્યપાલે મહિલાઓ સાથે વાત કરી
વિવાદ વધતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલે 12 ફેબ્રુઆરીએ સંદેશખાલીની મુલાકાત લીધી હતી. મહિલાઓને મળ્યા બાદ રાજ્યપાલે મીડિયાને કહ્યું, ‘મેં સંદેશખાલીની માતાઓ અને બહેનોની વાત સાંભળી.
મને વિશ્વાસ નહોતો કે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિમાં આવું બની શકે. કલકતા હાઇકોર્ટે ઘટનાની નોંધ લીધી. 13 ફેબ્રુઆરીના રોજ, કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અપૂર્વ સિન્હા રેએ આ ઘટનાની નોંધ લીધી હતી. કોર્ટે મમતા સરકારને આ મામલે 20 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, 14 ફેબ્રુઆરીએ, હાઇકોર્ટે સંદેશખાલીમાં લાગુ કલમ 144 રદ કરી. 13 ફેબ્રુઆરીએ પ.બંગાળની મહિલા પોલીસ ટીમે સંદેશખાલીની મુલાકાત લીધી હતી. ડીઆઈજી સીઆઈડીના નેતૃત્વમાં રાજ્ય મહિલા આયોગે વિરોધ કરી રહેલી મહિલાઓની પૂછપરછ કરી હતી. બીજા દિવસે પોલીસે નિવેદન જારી કરીને કહ્યું કે પૂછપરછ દરમિયાન કોઈપણ મહિલાએ બળાત્કારની ફરિયાદ કરી નથી. તમામ આક્ષેપો અને ફરિયાદોની યોગ્ય તપાસ કરવામાં આવશે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્ય મહિલા આયોગ બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે તેની નોંધ લીધી હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ તેના ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટમાં દાવો કર્યો છે કે TMC નેતાઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓને હેરાન કરવામાં આવી હતી. ઘણી મહિલાઓની ફરિયાદો તેમની પાસે પહોંચી છે. કમિશને કહ્યું- સંદેશખાલીની મહિલાઓ અત્યાચારનો આરોપ લગાવતા જ ટીએમસીના નેતાઓ અથવા પોલીસકર્મીઓ તેમની સામે વળતી કાર્યવાહી કરે છે. તેઓ કાં તો મહિલાઓ પાસેથી તેમની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કરે છે અથવા તેમના પરિવારના પુરૂષ સભ્યોની મનસ્વી રીતે ધરપકડ કરે છે.
NCSC સભ્ય અંજુ બાલાએ મમતા પર TMC નેતાઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે સ્થળની મુલાકાત લીધી હતી
NCWએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે TMC નેતાઓએ મહિલાઓને હેરાન કરી છે. ઘણી મહિલાઓએ ફરિયાદ કરી છે. આ નેતાઓ મહિલાઓ પાસેથી તેમની જમીન છીનવી લે છે અથવા તેમના પરિવારના પુરૂષ સભ્યોની બળજબરીથી ધરપકડ કરે છે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચે રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો
બીજી તરફ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એ શુક્રવારે (16 ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંદેશખાલી કેસ પર અહેવાલ સુપરત કર્યો હતો. NCSCના પ્રમુખ અરુણ હલદર અને સભ્ય અંજુ બાલા ગુરુવારે પીડિત મહિલાઓને મળ્યા હતા. અંજુ બાલાએ કહ્યું હતું કે મમતા બેનર્જી પોતે એક મહિલા CM છે, પરંતુ તેઓ કશું કહેવા માંગતા નથી. તેઓ પોતાના નેતાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનું નામ મમતા છે, પણ તેમના હૃદયમાં મમતા નામનું કંઈ નથી.
રામપુરમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ.
સંદેશખાલી કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર
બીજી તરફ, સુપ્રીમ કોર્ટ સંદેશખાલી કેસની સુનાવણી માટે સંમત થઈ છે. કોર્ટે શુક્રવાર (16 ફેબ્રુઆરી)ના રોજ કેસને સૂચિબદ્ધ કર્યો હતો. જો કે હજુ સુધી સુનાવણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવે એક દિવસ પહેલા સંદેશખાલી કેસ પર પીઆઈએલ દાખલ કરી હતી. તેમણે પશ્ચિમ બંગાળની બહાર કેસની તપાસ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અથવા વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસની માગ કરી છે. અલખે મણિપુર હિંસાની તર્જ પર જાતીય સતામણી અને હિંસા કેસની તપાસ કરવા માટે ત્રણ ન્યાયાધીશોની સમિતિને અપીલ કરી છે.
સંદેશખાલીની ઘટના અને રાજકારણ
બંગાળ બીજેપી અધ્યક્ષ અને બાલુરઘાટના સાંસદ સુકાંત મજુમદાર 13 ફેબ્રુઆરીએ બીજેપી કાર્યકર્તાઓ સાથે સંદેશખાલીમાં પીડિત મહિલાઓને મળવા જઈ રહ્યા હતા. પણ તે પહેલા જ બસીરહાટ પોલીસે તેમને તાકીના એક ગેસ્ટ હાઉસમાં રોક્યા હતા. અહીંથી સંદેશખાલી 30 કિલોમીટર દૂર છે. સુકાંતે ફરી એકવાર 14મી ફેબ્રુઆરીની સવારે સંદેશખાલી જવાનો આગ્રહ કર્યો. પોલીસે તેમને ફરીથી રોક્યા.
જેને લઇને ભાજપના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ દરમિયાન સુકાંતને ઈજા થઈ હતી. તેમને બસીરહાટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પછી તેમને કોલકાતાની એપોલો હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુકાંતને ગુરુવારે ICUમાંથી ડેકેયર બિલ્ડિંગના રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
જેપી નડ્ડાએ 4 સાંસદોની સમિતિ બનાવી
જેપી નડ્ડાએ ગુરુવારે (15 ફેબ્રુઆરી) બે કેન્દ્રીય પ્રધાનો અને 4 સાંસદોની બનેલી સમિતિની રચના કરી હતી. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી સમિતિના કન્વીનર છે. કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક અને ભાજપના 4 સાંસદો – સુનીતા દુગ્ગલ, કવિતા પાટીદાર, સંગીતા યાદવ અને બ્રિજલાલ સભ્ય છે. સંદેશખાલી કેસમાં સમિતિ હવે નડ્ડાને રિપોર્ટ સોંપશે.
શુક્રવારે સવારે ભાજપનું પ્રતિનિધિમંડળ સંદેશખાલી જઈ રહ્યું હતું ત્યારે પોલીસે તેને અટકાવ્યું હતું. તેમના પરત ફર્યા બાદ કોંગ્રેસના સાંસદ અધીર રંજનને પણ જિલ્લામાં જતાx અટકાવવામાં આવ્યા હતા.
ભાજપની 6 સભ્યની ટીમને સંદેશખાલી ન જવા દેવાયા
ભાજપની 6 સભ્યોની ટીમને પણ સંદેશખાલી જતા અટકાવી દેવામાં આવી હતી. ટીમના કન્વીનર અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું- અમે પીડિત બહેનોને ન્યાય અપાવવા માંગીએ છીએ. જે તત્પરતાથી અમને રોકવામાં આવ્યા હતા તે જ તત્પરતાથી જો આરોપી પકડાયા હોત તો અમારે આ દિવસ જોવો ન પડત. શેખના ગુંડાઓ મહિલાઓને હેરાન કરતા હતા. તે ન્યાય માટે આજીજી કરી રહી હતી.
ટીમના સભ્ય અને બીજેપી સાંસદ સુનીતા દુગ્ગલે કહ્યું કે બંગાળમાં ગુંડા રાજની સરકાર છે. અમે સંદેશખાલીની પીડિત મહિલાઓ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. અમારી સાથે વાત કરતી મહિલાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અમે બંગાળના રાજ્યપાલને મળીશું અને તેમને સંપૂર્ણ માહિતી આપીશું.
અધીર રંજન રામપુરમાં હડતાળ પર બેસી ગયા
શુક્રવારે (16 ફેબ્રુઆરી) બીજેપી પ્રતિનિધિમંડળે સંદેશખાલી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા. તેમના પરત ફર્યા બાદ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી ત્યાં પહોંચ્યા હતા. જો કે, પોલીસે તેઓને પણ સંદેશખાલી જતા રોક્યા હતા. આ મુદ્દે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પછી અધીર રંજન રામપુરમાં હડતાળ પર બેસી ગયા હતા. તેમણે કહ્યું- અમે જાણવા માગીએ છીએ કે સંદેશખાલીની વાસ્તવિક ઘટના શું છે? ખરેખર ત્યાં શું થયું કે લોકોને ત્યાં જતા રોકવામાં આવી રહ્યા છે? કોંગ્રેસ સાંસદે કહ્યું- સંદેશખાલી કેસને હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક ઘટના તરીકે બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મમતા ખૂબ જ ચતુરાઈથી તેને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે વિધાનસભામાં તેમના ભાષણમાં આ સ્પષ્ટ છે. મમતા બેનર્જીએ જવાબ આપવો પડશે. શાહજહાં અને તેના સમર્થકો બધા TMCની પ્રોડક્ટ છે.
મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું- સંદેશખાલી RSSનો ગઢ છે. 7-8 વર્ષ પહેલાં પણ અહીં રમખાણો થયાં હતાં.
મમતાએ કહ્યું- સંદેશખાલી RSSનો ગઢ છે, અહીં પહેલાં પણ રમખાણો થયાં હતાં
CM મમતા બેનર્જીએ ગુરુવારે (15 ફેબ્રુઆરી) એસેમ્બલીમાં સંદેશખાલી કેસમાં તેમના વિચારો રજૂ કર્યા. મમતાએ કહ્યું કે સંદેશખાલી RSSનો ગઢ છે. તણાવ ઉભો કરવા માટે એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે.
7-8 વર્ષ પહેલા પણ ત્યાં રમખાણો થયા હતા. મમતાએ કહ્યું- સંદેશખાલી સંવેદનશીલ જગ્યાઓમાંથી એક છે. મેં ક્યારેય કોઈની સાથે અન્યાય થવા દીધો નથી અને ન થવા દઈશ. ખોટું કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. મમતાએ કહ્યું- અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય મહિલા આયોગ અને પોલીસ ટીમને મેસેજ મોકલવામાં આવ્યો છે. મહિલા પોલીસની ટીમ ઘરે-ઘરે જઈને મહિલાઓની ફરિયાદ સાંભળી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે.
વિપક્ષ TMCની વિરુદ્ધમાં
આ મુદ્દે વિપક્ષ TMCની વિરુદ્ધમાં છે. ગામમાં હિંસા ભડકાવવાના આરોપમાં ભૂતપૂર્વ ધારાસભ્ય નિરપદ સરકારની ધરપકડના વિરોધમાં CPMએ સોમવારે આ વિસ્તારમાં 12 કલાકના બંધનું પણ આહ્વાન કર્યું છે. બીજી તરફ ભાજપ પણ આ મુદ્દે ભારે આક્રમક છે. કોલકાતાથી લઈને દિલ્હી સુધી તેના તમામ નેતાઓ આ મુદ્દે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઘેરવામાં વ્યસ્ત છે. વિધાનસભામાં આ મુદ્દે હંગામો અને વોકઆઉટ બાદ વિપક્ષી નેતા સુભેન્દુ અધિકારી સહિત છ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસ નેતા પણ હવે આક્રમક વિરોધ કરી રહ્યા છે.
સંદેશખાલીની અસર લોકસભામાં થશે!
આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આ વિસ્તાર બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. તથા લઘુમતી અને આદિવાસી સમુદાયના મોટાભાગના લોકો અહીં રહે છે. જેથી આ મુદ્દાને લઇને રાજકીય પાર્ટીઓ ધ્રુવીકરણની રાજનીતિ કરશે. આ સાથે TMCની કોંગ્રેસથી અલગ ચૂંટણી લડવાની વાતથી પણ ચોક્કસથી અસર થશે. હાલમાં બંગાળમાં એક તરફી ચાલી રહેલી TMCને આ ઘટનાને કારણે ભારે નુકસાન થશે. ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દાને તુષ્ટિકરણ અને કાયદો-વ્યવસ્થા સાથે જોડી રાજ્યમાં સત્તાધારી પક્ષ વિરુદ્ધ માહોલ બનાવવામાં ઉપયોગ કરશે. આ સાથે જ લોકસભા પહેલા રાજ્ય સરકાર વિરુદ્ધ એક મોટો મુદ્દો વિપક્ષને મળી જતા હવે આવનારા સમયમાં આ મુદ્દે રાજકીય ઘમસાણ જામશે. અને તેની સર લોકસભાની ચૂંટણીમાં ચોક્કસથી થશે.
સંદેશખાલીથી પરત ફર્યા બાદ ભાજપનું પ્રતિનિધિમંડળ બંગાળના રાજ્યપાલ ડૉ.સીવી આનંદ બોઝને મળવા કોલકાતા પહોંચ્યું હતું.
પોલીસ સાથેના ઘર્ષણ દરમિયાન ઘાયલ થયેલા પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુકાંતે 13 ફેબ્રુઆરીએ ભાજપના કાર્યકરો સાથે પ્રદર્શન કર્યું હતું.
વિરોધકર્તાઓએ ગયા અઠવાડિયે સંદેશખાલીમાં TMC નેતા શિવપ્રસાદ હાજરાના ફાર્મ હાઉસને આગ લગાવી દીધી હતી.