સ્પોર્ટ્સ ડેસ્ક9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસ રચ્યો અને 20 ઓવરમાં 277 રન બનાવ્યા. IPLના 17 વર્ષમાં આટલો મોટો સ્કોર આ પહેલા ક્યારેય બન્યો ન હતો. હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો રેકોર્ડ તોડ્યો, જેણે 2013માં 263 રન બનાવ્યા હતા.
278 રનના ટાર્ગેટ સામે પણ મુંબઈ ઈન્ડિયન્સે પણ પ્રયત્ન કર્યા, પણ ટીમની હોડી કિનારે આવી શકી નહીં. MI ટીમે 20 ઓવરમાં 246 રન બનાવ્યા. આ બીજી ઈનિંગમાં IPLનો સૌથી મોટો સ્કોર હતો. અગાઉ 2020માં રાજસ્થાને 226 રન બનાવ્યા હતા. મેચમાં કુલ 523 રન બનાવ્યા હતા, જે પ્રોફેશનલ T20 ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું હતું.
પ્લેયર ઑફ ધ મેચ અભિષેક શર્માએ અડધા કલાકની અંદર SRH માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. મેચમાં બનેલા ટોપ રેકોર્ડ જાણો…
1. અભિષેક શર્માએ SRH માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી
ટીમ માટે SRH બેટર અભિષેક શર્માએ 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. SRH માટે IPLમાં કોઈપણ બેટરની આ સૌથી ઝડપી અડધી સદી છે. અભિષેક પહેલાં આ જ મેચમાં ટ્રેવિસ હેડે 18 બોલમાં 50 રન બનાવીને ડેવિડ વોર્નરનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે, અડધા કલાકથી પણ ઓછા સમયમાં અભિષેકે હેડનો રેકોર્ડ તોડીને SRH માટે નવો રેકોર્ડ બનાવ્યો હતો.
2. પાવરપ્લેમાં SRH માટે બીજા ક્રમના ટોચના સ્કોરર
ટ્રેવિસ હેડ SRH માટે ઇનિંગ્સના પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. તેણે 59 રન બનાવ્યા અને તેના ઓસ્ટ્રેલિયન સાથી ડેવિડ વોર્નર સાથે બીજા ક્રમે આવ્યો. વોર્નર પણ નંબર વન પર છે, જેણે 2017માં કોલકાતા સામે પાવરપ્લેમાં 62 રન બનાવ્યા હતા. T-20 મેચમાં પાવરપ્લે એટલે 1 થી 6 ઓવરની રમત હોય છે.
3. SRHએ IPLની પ્રથમ 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા
SRH એ IPL ઇતિહાસમાં પ્રથમ 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટીમે પહેલા 60 બોલમાં 148 રન બનાવ્યા હતા. ટીમે તેમની સામે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા બનાવેલો રેકોર્ડ પણ તોડ્યો હતો. વર્ષ 2021માં, MIએ અબુ ધાબીમાં SRH સામે 131 રન બનાવ્યા હતા.
જો કે, આ મેચમાં MIએ ફરીથી આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટીમ નિષ્ફળ રહી. મુંબઈએ બીજા દાવમાં વિસ્ફોટક શરૂઆત કરી હતી અને 10 ઓવરમાં 141 રન બનાવ્યા હતા. ટીમ રેકોર્ડ તોડવાથી માત્ર 8 રન દૂર હતી અને રેકોર્ડમાં બીજા સ્થાને આવી હતી.
4. SRHએ IPLનો સૌથી મોટો સ્કોર બનાવ્યો
SRHએ IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. આ રેકોર્ડ 11 વર્ષ બાદ તૂટ્યો છે. ટીમે 20 ઓવરમાં 277 રન બનાવ્યા હતા. આ પહેલાં વર્ષ 2013માં RCBએ પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે 263 રન બનાવ્યા હતા. જેમાં ક્રિસ ગેલે 175 રનની અણનમ ઇનિંગ રમી હતી. IPLની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો ગેલનો રેકોર્ડ હજુ પણ યથાવત છે.
5. ક્લાસેન-માર્કરમે ચોથી વિકેટ માટે SRH માટે સૌથી મોટી ભાગીદારી કરી
SRH તરફથી રમતા હેનરિક ક્લાસેન અને એડન માર્કરમની દક્ષિણ આફ્રિકાની જોડીએ ચોથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી હતી. બંનેએ 116 અણનમ રન ઉમેર્યા હતા. આ પહેલાં આ રેકોર્ડ મોઈઝેસ હેનરિક્સ અને યુવરાજ સિંહના નામે હતો. SRH તરફથી રમતા બંનેએ વર્ષ 2017માં અણનમ 93 રનની ભાગીદારી કરી હતી.
6. ક્વેના મફાકાનો IPLમાં ત્રીજો સૌથી મોંઘો સ્પેલ
મુંબઈ તરફથી ડેબ્યૂ કરનાર 17 વર્ષની સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલર ક્વેના મફાકાએ 4 ઓવરમાં 66 રન આપ્યા હતા. IPL ઈતિહાસમાં મુંબઈ માટે આ સૌથી મોંઘી બોલિંગ હતી. એકંદરે, તે એક ઇનિંગ્સમાં ત્રીજો સૌથી મોંઘો બોલર બન્યો. SRHના બેસિલ થમ્પીએ તેમના કરતા વધુ રન આપ્યા હતા, જેની સામે RCBએ 2017માં 70 રન બનાવ્યા હતા.
IPL ડેબ્યૂમાં મફાકાનો સ્પેલ (0/66) સૌથી મોંઘો હતો. આ પહેલાં 2013માં માઈકલ નેસરે મોહાલીમાં પંજાબ કિંગ્સ માટે ડેબ્યૂ મેચમાં 62 રન આપ્યા હતા. આ સ્પેલ RCB સામે આવ્યો હતો.
7. SRH એ T20 ક્રિકેટમાં ચોથો સૌથી વધુ સ્કોર બનાવ્યો
SRHએ T20 ક્રિકેટમાં ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આનાથી મોટો સ્કોર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં ત્રણ વખત બન્યો છે. વર્ષ 2023માં જ નેપાળે T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ વખત મોંગોલિયા સામે 300+ રન બનાવ્યા હતા. જ્યારે, 2019માં અફઘાનિસ્તાને આયર્લેન્ડ સામે (278/3) સ્કોર કર્યો હતો. આ મેચમાં હઝરતુલ્લા ઝાઝાઈએ 16 છગ્ગાની મદદથી 162* રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાને રહેલા ચેક રિપબ્લિકે પણ 278 રન બનાવ્યા છે.
SRHએ ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બનાવેલા રેકોર્ડને વટાવી દીધો છે. વર્ષ 2023માં પંજાબે આંધ્રપ્રદેશ સામે 275 રન બનાવ્યા હતા. આ મેચમાં પણ પંજાબ તરફથી રમતા અભિષેક શર્માએ 51 બોલમાં 112 રન બનાવ્યા હતા. જવાબમાં આંધ્રની ટીમ 170 રન જ બનાવી શકી હતી.
8. બીજી વખત IPL મેચમાં સૌથી વધુ બાઉન્ડરી ફટકારવામાં આવી
SRH અને MI બેટર્સે મળીને IPL મેચમાં સૌથી વધુ બાઉન્ડરી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. બંને ટીમે મળીને કુલ 69 બાઉન્ડરી ફટકારી હતી, બાઉન્ડરી એટલે કે બંને ફોર અને સિક્સર. વર્ષ 2010માં પણ ચેપોક મેદાન પર CSK vs RR મેચમાં કુલ 69 બાઉન્ડરી ફટકારવામાં આવી હતી. હવે 2024માં રમાયેલી મેચે આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
9. SRHએ ઇનિંગ્સમાં 18 સિક્સ ફટકારી, MIએ 20 છગ્ગા ફટકાર્યા
SRHના બેટર્સે મુંબઈ સામે પ્રથમ દાવમાં કુલ 18 છગ્ગા ફટકાર્યા હતા. આ રેકોર્ડ IPLની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ત્રીજા ક્રમે છે. તેમની ઉપર RCB છે, જેણે 2013માં 21 છગ્ગા ફટકાર્યા હતા, જેમાંથી 17 એકલા ક્રિસ ગેલના હતા.
મુંબઈએ બીજા દાવમાં પણ ધીમી બેટિંગ કરી ન હતી અને 20 ઓવરમાં 20 સિક્સ ફટકારી હતી. આ સાથે ટીમ એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
10. પહેલીવાર T20 મેચમાં 38 સિક્સર ફટકારી હતી.
T20 ક્રિકેટમાં પહેલીવાર એક મેચમાં 38 સિક્સર ફટકારવામાં આવી છે. બુધવારે, SRHએ 18 છગ્ગા અને મુંબઈએ 20 છગ્ગા ફટકાર્યા. આ પહેલા પ્રોફેશનલ T20 મેચમાં આટલા છગ્ગા ક્યારેય નથી માર્યા. આ બંનેએ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની T20 લીગમાં બનાવેલા રેકોર્ડ તોડ્યા છે.
2018 માં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ દરમિયાન, બલ્ખ લિજેન્ડ્સ અને કાબુલ ઝવાનન વચ્ચેની મેચમાં 37 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. તે જ સમયે, 2023 દરમિયાન સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઓટ્સ અને જમૈકા તલ્લાવાહ વચ્ચેની CPL મેચમાં પણ 37 સિક્સર ફટકારવામાં આવી હતી.
11. IPL મેચમાં સૌથી વધુ છગ્ગા
SRH અને મુંબઈએ IPL મેચમાં સૌથી વધુ છગ્ગા મારવાના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો. 2018માં RCB અને CSK વચ્ચેની મેચમાં કુલ 33 સિક્સર ફટકારવામાં આવી હતી, જ્યારે બુધવારે વધુ 5 સિક્સર ફટકારવામાં આવી હતી.
12. પ્રથમ વખત T20 ક્રિકેટ મેચમાં 520 થી વધુ રન બન્યા
બુધવારે, હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે 523 રન થયા હતા, જે પ્રથમ વખત T20 ક્રિકેટ મેચમાં બન્યું હતું. SRHએ 277 રન બનાવ્યા અને મુંબઈએ 246 રન બનાવ્યા. આ IPL મેચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રેકોર્ડ તોડી નાખ્યો. વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં સેન્ચુરિયન મેદાન પર 517 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 258 રન અને દક્ષિણ આફ્રિકાએ 259 રન બનાવ્યા હતા.
આ રેકોર્ડ સાથે IPLનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. વર્ષ 2010માં CSK અને રાજસ્થાન રોયલ્સે ચેપોક મેદાન પર મળીને 469 રન બન્યા હતા. આ દરમિયાન ચેન્નઈ માત્ર 246 રન બનાવી શકી હતી અને રાજસ્થાન માત્ર 223 રન જ બનાવી શકી હતી.
13. MIએ બીજી ઇનિંગમાં IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
MI બેટર્સ SRHના સ્કોરનો ચેઝ કરવામાં નિષ્ફળ ગયા હોવા છતાં, તેઓએ બીજા દાવમાં એટલે કે ચેઝમાં IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. ટીમે 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. અગાઉ 2020માં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે 226 રન બનાવ્યા હતા. શારજાહના મેદાન પર ટીમે 223 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. આ મેચમાં રાહુલ તેવટિયાએ શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી.