સ્પોર્ટ્સ ડેસ્ક18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચનો ટૉસ સાંજે 7:00 વાગ્યાથી થશે.
બેંગલુરુ છેલ્લા આઠ વર્ષથી હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા સામે જીત્યું નથી. છેલ્લે 2015માં મળ્યા હતા. ત્યારથી, પાંચ મેચ રમાઈ છે અને તમામમાં કોલકાતા વિજેતા બન્યું હતું.
આ બેંગલુરુની ત્રીજી અને કોલકાતાની બીજી મેચ હશે. બેંગલુરુને એક જીત અને એક હાર મળી છે. બીજી તરફ કોલકાતાએ જીત સાથે શરૂઆત કરી હતી.
હેડ ટુ હેડમાં કોલકાતાનો હાથ ઉપર
આજની મેચમાં કોલકાતા બેંગલુરુનો દબદબો જોવા મળી રહ્યો છે. IPL ઈતિહાસમાં RCB અને KKR વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. જેમાં RCBએ 14 મેચ જીતી છે અને કોલકાતાએ 18 મેચ જીતી છે. બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. બેંગલુરુએ છ અને કોલકાતાએ સાતમાં જીત મેળવી હતી.
કોહલીના નામે સૌથી વધુ રન
બેંગલુરુનો સ્ટાર બેટર વિરાટ કોહલી છેલ્લી બે મેચમાં 98 રન સાથે ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ દરમિયાન તેણે અડધી સદી પણ ફટકારી છે. બોલિંગમાં ગ્લેન મેક્સવેલ ટોપ પર છે. તેણે પ્રથમ બે મેચમાં 2 વિકેટ ઝડપી છે.
કોલકાતા તરફથી રસેલે સૌથી વધુ રન બનાવ્યા
કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે એક મેચમાં 64 રન બનાવ્યા છે. હર્ષિત રાણાના નામે સૌથી વધુ વિકેટ છે. તેણે એક મેચમાં ત્રણ વિકેટ લીધી છે.
પિચ રિપોર્ટ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અહીં બેટર્સ ઘણા રન બનાવે છે. આ પિચ પર સ્પિનરોને થોડી મદદ મળે છે.
આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 89 IPL મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 37 મેચ જીતી હતી અને ચેઝ કરતી ટીમે 48 મેચ જીતી હતી. આવી સ્થિતિમાં ટૉસ જીતનારી ટીમ ચેઝ કરવાનું પસંદ કરશે. જ્યારે ચાર મેચના રિઝલ્ટ આવી શક્યા નથી.
હવામાન સ્થિતિ
બેંગલુરુમાં શુક્રવારે વરસાદની શક્યતા ઓછી છે. મેચના દિવસે તાપમાન 22 થી 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પવન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત, અલ્ઝારી જોસેફ, મયંક ડાગર, યશ દયાલ અને મોહમ્મદ સિરાજ.
ઇમ્પેક્ટ પ્લેયર: મહિપાલ લોમરોર
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): શ્રેયસ અય્યર (કેપ્ટન), વેંકટેશ ઐયર, ફિલ સોલ્ટ, રિંકુ સિંહ, નીતિશ રાણા, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
ઇમ્પેક્ટ પ્લેયર સુયશ શર્મા