45 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત સુપર લીગ (GSL) એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણીએ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે.’
ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમ ભાગ લેશે
GSL ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમ ભાગ લેશે. આ 6 ટીમ છે, અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઇન), સુરત સ્ટ્રાઇકર્સ (લોયલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વોરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ).
લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ‘અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ગુજરાત સુપર લીગ રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા માટેની નાનકડી પહેલ છે. GSLમાં હાલ છ ટીમ છે પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં અમે ટીમની સંખ્યા વધારીને 12 સુધી લઇ જવાનું આયોજન ધરાવીએ છીએ.GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત છે. આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. GSLથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝરનો લાભ મળશે.’
વિજેતા ટીમને 11 લાખ રૂપિયા મળશે, ખેલાડીઓને દૈનિક ભથ્થું પણ મળશે
GSL ટુર્નામેન્ટ પહેલી મેથી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાવાની છે. મેચના દિવસો પહેલી, બીજી, ચોથી, પાંચમી, આઠમી, 10મી મે છે. ફાઈનલ 12મી મે 2024ના રોજ રમાશે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમ 12મી મે 2024ના રોજ સાંજે 7 વાગ્યે ફાઈનલ મેચ રમશે.
GSLમાં વિજેતા ટીમને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને 5 લાખ રૂપિયાનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર ઑફ ધ મેચને 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું 1500-2000 રૂપિયા સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે, GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ ટ્રોફી અનાવરણની વિધિનું સંચાલન કર્યું હતું.
GSLની મેચ માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે, જ્યારે ફાઈનલ મેચની ટિકિટની કિંમત રૂ. 399 રાખવામાં આવી છે. ટિકિટ BookMyShow પરથી મળી શકશે.