11 કલાક પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘સિકંદર’ 31 માર્ચે રિલીઝ થઈ રહી છે. જો તમે પણ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો તો પહેલા તેનો રિવ્યૂ વાંચો-
ફિલ્મની વાર્તા કેવી છે?
ફિલ્મ ‘સિકંદર’ એ રાજકોટના રાજા સંજય ઉર્ફે સલમાન ખાનની વાર્તા છે, જેને રાજકોટના લોકો ભગવાન જેવો ગણે છે. ફિલ્મની શરૂઆત એક મંત્રીના પુત્ર અર્જુન (પ્રતીક બબ્બર) દ્વારા ફ્લાઇટમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર કરવાથી થાય છે. ત્યાં હાજર સંજય અર્જુનને પાઠ ભણાવે છે. અર્જુન આ અપમાનનો બદલો લેવા માગે છે, જેના કારણે મંત્રીના ગુંડાઓ સંજયનો પીછો કરે છે.
બદલાની આ લડાઈમાં, સંજય તેની પત્ની સાઈંશ્રીને ગુમાવે છે, જેનું પાત્ર રશ્મિકા મંદાનાએ ભજવ્યું છે. સાઈંશ્રી મરતાં પહેલાં પોતાના અંગોનું દાન કરે છે, જેનાથી 3 અલગ અલગ લોકોના જીવ બચે છે.
હવે મંત્રીના ગુંડાઓ તે ત્રણ લોકોને પણ શોધી રહ્યા છે જેમને અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ સંજય તેની પત્નીના મૃત્યુનો બદલો લેવા અને તે ત્રણ લોકોને બચાવવા માટે રાજકોટથી મુંબઈ પહોંચે છે.
તે ત્રણ લોકો કેવી રીતે મળશે?, મંત્રી તેમને કેમ શોધી રહ્યા છે? અને સંજય તેમને બચાવી શકશે કે નહીં, આ સસ્પેન્સ સાથે ફિલ્મની વાર્તા આગળ વધે છે.

સ્ટાર કાસ્ટનો અભિનય કેવો છે?
સંજયની ભૂમિકા ભજવી રહેલા સલમાન ખાનના અભિનયમાં કંઈ નવું નથી. સલમાને ફિલ્મમાં ઘણી બધી એક્શન કરી હતી, પરંતુ તેનો રમૂજ અને કેટલાક કોમેડી સંવાદો લોકોને હસાવવામાં નિષ્ફળ ગયા. ઉપરાંત, તેના ભાવનાત્મક સંવાદો કોઈને ભાવુક નથી કરતા. રશ્મિકા મંદાનાએ ઓછો સ્ક્રીન સમય હોવા છતાં સારું કામ કર્યું છે. કાસ્ટિંગની વાત કરીએ તો, શરમન જોશી તેનાં પાત્રમાં બેસતો નથી. પ્રતીક બબ્બર, સત્યરાજ અને કિશોર કુમારજીએ પણ ઘણા ભાગોમાં વધારાનો પ્રયાસ કર્યો છે, જે પાવરફુલ ઓછા અને વધુ નાટકીય વધું લાગે છે.
ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
ફિલ્મના લેખક અને ડિરેક્ટર એઆર મુરુગદાસની આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી હળવી ફિલ્મ ગણી શકાય. વાર્તામાં શરૂઆતથી અંત સુધી ઘણી બધી ખામીઓ છે. પટકથામાં ભૂલો પણ સ્પષ્ટપણે દેખાય છે. ફિલ્મમાં ઘણા દૃશ્યો એવા છે જે ફક્ત ફિલર તરીકે અને સમય વધારવા માટે ઉમેરવામાં આવ્યા છે. જો ફિલ્મ તેના વિના બની હોત, તો પણ વાર્તામાં બહુ ફરક પડ્યો ન હોત. ફિલ્મમાં લાગણીઓ અને તર્કના અભાવને કારણે, દર્શકો ફિલ્મ સાથે જોડાઈ શકશે નહીં.

ફિલ્મનું સંગીત કેવું છે?
સામાન્ય રીતે, સલમાન ખાનની ફિલ્મોની ખાસિયત તેનાં પાવરફુલ ગીતો અને સંગીત હોય છે, પરંતુ આ ફિલ્મમાં સંગીત પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયું છે. કેટલાક દૃશ્યોમાં બેકગ્રાઉન્ડ સાઉન્ડ ઠીક છે, પરંતુ તે પણ દર્શકોના મનમાં છોપ છોડવામાં નિષ્ફળ જાય છે.
ફિલ્મ જોવી જોઈએ કે નહીં?
જો તમે સલમાન ખાનના મોટા ચાહક છો અને તેને મોટા પડદા પર જોવા માગો છો, તેની એક્શન અને સ્ટાઇલ જોવા માગો છો, તો તમને આ ફિલ્મ ગમશે. પરંતુ વાર્તા, પટકથા એવી છે કે જો તમે સલમાનના ચાહક નથી, તો આ પોણા ત્રણ કલાક લાંબી ફિલ્મ તમને કંટાળો આપશે.